રાજ્યના શહેરી વિસ્તારોમાં ૩૦ નવા અર્બન હેલ્થ સેન્ટરો કાર્યાન્વિત કરાશે- આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી

658
0
Share:

રાજ્યના શહેરી વિસ્તારોમાં ૩૦ નવા અર્બન હેલ્થ સેન્ટરો
કાર્યાન્વિત કરાશે- આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી

● મેલેરિયા મુક્ત ગુજરાત માટે રસીકરણ-જનજાગૃતિ માટે ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી હાથ ધરાશે
● ઉનાળામાં ‘‘ડ્રાય ડે’’ જાહેર કરીને અભિયાન સ્વરૂપે સર્વેલન્સ કરાશે જેનાથી ચોમાસામાં મચ્છરની ઉત્પતિ ઘટે
● મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાનને વેગવાન બનાવી ગુજરાત દેશને નવો રાહ ચિંધશે
● ગાંધીનગર ખાતે શહેરી વિસ્તારોમાં આરોગ્ય કાર્યક્રમોની
અમલવારી-પ્રશ્નોના નિરાકરણ માટે સમીક્ષા બેઠક યોજાઈ

આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે આરોગ્ય સવલતો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શહેરી-ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા આગામી સમયમાં શહેરી વિસ્તારોમાં ૩૦ નવા અર્બન હેલ્થ સેન્ટરો કાર્યાન્વિત કરવામાં આવશે.

આજે ગાંધીનગર ખાતે શહેરી વિસ્તારોમાં રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમની અમલવારી અને તેને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મળેલ બેઠકને સંબોધતા મંત્રી શ્રી ચૌધરીએ કહ્યું કે, શહેરી વિસ્તારોમાં આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ સહિત રસીકરણ અને આરોગ્ય સવલતોનું ગઠન કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે જેના પરિણામે આ મહત્વનો નિર્ણય કરાયો છે. તેમણે્ ઉમેર્યું કે, મેલેરિયાના નિયંત્રણ માટે સર્વેલન્સની કામગીરીને વધુ સુદ્રઢ બનાવાશે. ઉનાળાની સિઝનમાં રાજ્ય સરકારે ‘‘ડ્રાય ડે’’ જાહેર કરીને અભિયાન હાથ ધરવાનું નક્કી કરી ડોર ટુ ડોર કામગીરી કરીને મચ્છરના લારવાને નાબૂદ કરાશે જેથી ચોમાસામાં મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય. આ અભિયાન દરમિયાન કોર્પોરેશન અને નગરપાલિકાઓ દ્વારા ઘર, અવાવરૂ જગ્યાઓ કે જ્યાં પાણી ભરાય રહેતા હોય ત્યાં તથા મચ્છરના બ્રિડિંગ હોય તેનો નાશ કરાશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ઉનાળાની સીઝનમાં પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે પણ રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સાથે સાથે તાપમાન વધી રહ્યું છે તે માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવા માટે હેલ્થ બુલેટિન પણ બહાર પાડવામાં આવે છે જેમાં લૂ લાગવા સામે શું કરવું અને શું ન કરવું તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ ખાદ્ય ચીજોની ચકાસણી માટે તકેદારીના ખૂટતા પગલા લઈ અભિયાન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમારે મહાનગરપાલિકા-નગરપાલિકાઓમાં થઈ રહેલ આરોગ્ય કામગીરીની સમીક્ષા કરીને સર્વેલન્સ કામગીરી સહિત જનજાગૃતિ માટે વધુ સઘન પ્રયાસો કરવા કોર્પોરેશન, નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ શહેર-નગર કક્ષાએ ઉપસ્થિત પ્રશ્નોનો પણ સત્વરે નિકાલ કરાશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર શ્રી જે.પી.ગુપ્તાએ રાજ્યમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા અપીલ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારે ૨૦૩૦માં મેલરિયા મુક્ત ભારતની જાહેરાત કરી છે તે સંદર્ભે પણ ગુજરાતે નક્કર આયોજન કર્યું છે અને ૨૦૨૨માં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી થનાર છે તે વર્ષે ગુજરાત મેલરિયા મુક્ત બનીને દેશને નવો રાહ ચીંધશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં શહેરી વિસ્તારોમાં આરોગ્યને લગતા વિવિધ પ્રશ્નો જેવા કે કે મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ માતા અને બાળ આરોગ્ય કાર્યક્રમ, રસીકરણ મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના સહિત આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધારવા માટે શું પગલાં લઈ શકાય તે માટે સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, આરોગ્ય અધિકારીઓ, નગપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

Share:

Leave a reply