ભવિષ્યના એજંડા સાથે યોજાઈ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક

505
0
Share:

ઓડિશા એક એવું રાજ્ય કે જ્યાં ભાજપની સરકાર નથી અને તે રાજ્યના ભુવનેશ્વર શહેરમાં ભાજપે રાષ્ટ્રીય કાર્યકારિણીનું આયોજન કર્યું. આ બેઠક માટે દેશના 13 રાજ્યોના મુખ્યમંત્રી અને 7 ઉપમુખ્યમંત્રીએ ભાગ લીધો. 13 રાજ્યોના મુખ્યમંત્રીએ આ બેઠકમાં ભાગ લીધો તેના પરથી જ અંદાજ આવી જાય કે ભાજપ કેટલો મોટો પક્ષ છે ભારતનો.

પ્રધાનમંત્રીનો ભુવનેશ્વરમાં રોડ શો

આ કાર્યકારિણીમાં પ્રધાનમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાગ લેવા પહોંચ્યા. જોકે કાર્યકારિણીની બેઠક પહેલા પ્રધાનમંત્રીએ અહીં રોડ શો યોજ્યો  અને પ્રધાનમંત્રી આખા ભારતને એક કરવા માંગે છે તેનું ઉદાહરણ અહીં જોવા મળ્યું કે જ્યારે પ્રધાનમંત્રી રોડ શોની શરૂઆત પહેલા બીજુ જનતા દળના પ્રણેતા બીજુ પટનાઈકની પ્રતિમાને વંદન કર્યું અને તેમના આશીર્વાદ મેળવીને શરૂઆત કરી પોતાના રોડ શોની..પ્રધાનમંત્રીના રોડ શોમાં જ્યાં દેખો ત્યાં સુધી માત્ર અને માત્ર જનમેદની દેખાઈ અને કદાચ આ રોડ શો જોઈને નવિન પટનાઈક કે જેઓ હાલમાં ઓડિશા મુખ્યમંત્રી છે તેમણે પણ વર્ષ 2019ની ઓડિશાની વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દીધી હશે.

જોકે આ કાર્યકારિણીની બેઠક પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું અને કહ્યું કે ભાજપનો હાલમાં સ્વર્ણિમ કાળ ચાલે છે તેમ લોકો કહે છે પણ જ્યારે કેરળ, બંગાળ અને ઓડિશામાં ભાજપની સરકાર હશે ત્યારે ખરેખર સુવર્ણ કાળ આવશે.

ગુજરાત માટે આ બેઠક કેટલી મહત્વપૂર્ણ

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ગુજરાત માટે પણ ખુબ મહત્વની છે કારણકે આ બેઠકમાં ગુજરાતની વિધાનસભની ચૂંટણી કે જે આ વર્ષે આવનાર છે તેના વિશે ચર્ચા કરવામાં આવી અને આ બેઠકમાં ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુ, ભીખુભાઈ દલસાણિયા અને ડો. કિરીટ સોલંકી પહોંચ્યા.

જોકે આ બેઠકમાં માત્ર ગુજરાત જ નહીં પણ વર્ષ 2019 સુધીમાં જેટલી ચૂંટણી આવી રહી છે તે તમામ ચૂંટણીઓ માટે ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે પણ.

તો આ રાષ્ટ્રીય કાર્યકારિણી તો સમાપ્ત થઈ જશે અને આ સમાપ્ત થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે કે જ્યાં ગુજરાત તેમને આવકારવા માટે અને વધાવવા માટે તૈયાર છે. અને પ્રધાનમંત્રીની આ ગુજરાત મુલાકાત હશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આધિકારીક ચૂંટણી પ્રચારના શ્રીગણેશ.

– સુખી

Share:

Leave a reply