વિકાસની બાબતમાં ટીમ ગુજરાતે કાઠુ કાઢયું છે – પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે તેને માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન : પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી

1060
0
Share:

નોટબંધીના નિર્ણયના લીધે દેશના અર્થકારણમાં એક નવી ચેતનાનો

સંચાર થશે – પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી

———————————————————

વિકાસની બાબતમાં ટીમ ગુજરાતે કાઠુ કાઢયું છે  પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે તેને માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન

———————————————————

દિલ્હી ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને નહીં પરંતુ આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવા આવી રહ્યા છો તેવા ભાવ સાથે આવજોશ્રી નરેન્દ્રભાઈ મોદી

———————————————————

વિરોધીઓની હવનમાં હાડકા નાખવાની વૃત્તિ કયારેય સફળ થવાની નથી,

દેશહિતમાં કાર્ય કરી રહેલા પ્રધાનમંત્રીશ્રી દેશના ૧૨૫ કરોડ જનતા જનાર્દનના લોકહ્દય સમ્રાટ બની ચુકયા છે  શ્રી જીતુભાઈ વાઘાણી

 

———————————————————

પ્રદેશ પ્રવકતા શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રધાનમંત્રી પદે આરૂઢ થયા બાદ પ્રથમવાર શ્રી નરેન્દ્રભાઈએ મુલાકાત લીધી હતી. સંગઠનમાં વર્ષો સુધી પક્ષમાં વિવિધ જવાબદારીઓ નિભાવનાર પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ આત્મીય ભાવથી પ્રદેશ કાર્યાલય પધારીને સમગ્ર સંગઠનમાં એક સકારાત્મક, પારિવારીક અને ઉર્જાવાન વાતાવરણ નિર્મિત થયુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત રાજયભરમાંથી આવેલા તમામ જીલ્લાઓના સંગઠનના પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓની સાથે પ્રધાનમંત્રીશ્રીએ મુક્ત મને વાર્તાલાપ કર્યો હતો.

પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી સ્વીકાર્યા બાદ પોતાના અનુગામી તરીકે કાર્ય કરનાર રાજયના મુખ્યમંત્રીશ્રીઓ તથા ટીમ ગુજરાતની કાર્યપ્રણાલીની પ્રધાનમંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી. વિકાસની બાબતમાં ટીમ ગુજરાતે કાઠુ કાઢયું છે તથા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે તેમ જણાવી પ્રધાનમંત્રીશ્રીએ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. વિકાસના કાર્યોની એક આગવી પ્રણાલિકા પ્રસ્થાપિત કરીને ટીમ ગુજરાતે સમગ્ર દેશને દિશા દર્શન કરવાનુ મહત્વનું કાર્ય કર્યું છે તેમ જણાવ્યું હતું.

તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપાના ભવ્ય વિજય અંગે અભિનંદન આપતા પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપાનો કયાંય પણ વિજય થાય તો તેની આખા દેશના રાજકારણ ઉપર એક આગવી અસર પેદા થતી હોય છે. ભૂતકાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પરિણામો તથા તેની અસર અંગે પ્રધાનમંત્રીશ્રીએ આ ક્ષણે પ્રસંગોચિત યાદ અપાવી હતી.

પંડીત દીનદયાળ ઉપાધ્યાય જન્મ શતાબ્દિ વર્ષને જયારે આપણે ગરીબ કલ્યાણ વર્ષતરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા ગરીબ તથા છેવાડાના પરિવારોની માતાઓ તથા બહેનોને ચૂલાના ધુમાડાની યાતનામાંથી મુક્તિ અપાવવા આપણે એક મહાસેવા યજ્ઞ આરંભેલો છે તેમ પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું. જેટલી વધુ સિધ્ધિ આ ક્ષેત્રમાં હાંસલ કરી શકાય તેટલી દરિદ્રનારાયણની વધુ સેવા આપણે કરી શકીએ તે બાબત અંગે તેમણે સૌનું ધ્યાન દોર્યુ હતું.

સંગઠનમાં જેની જવાબદારી જે પદે હોય ત્યાં રહીને પણ સ્વચ્છતા અભિયાનમાં પોતાનો ફાળો આપવો જોઇએ તે અંગે સૌને તેમણે સૂચન કર્યું હતું. ઇ.સ. ૨૦૧૯માં પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતે સ્વચ્છતાની બાબતમાં સવિશેષ કામગીરી કરવી રહી તેમ યાદ અપાવીને પ્રધાનમંત્રીશ્રીએ આ પ્રસંગે રાજયની તમામ નગરપાલિકાઓને ખુલ્લામાં થતી શૌચક્રિયામાંથી મુક્તિ અપાવીને જનતા જનાર્દનની સેવામાં મહત્વનું પ્રદાન કરવા બદલ રાજય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રવકતા શ્રી ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીએ સંગઠન વિશે છણાવટ કરતા નવી પેઢી જે રીતે તૈયાર થઇ રહી છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સંગઠનના વ્યાપ અને વિસ્તારની સાથે તેના મૂળીયા પણ ઉંડા જવા જોઇએ તે બાબત અંગે તેમણે સૌને શીખ આપી હતી. જાજરમાન કાર્યકર્તાઓનો સમુહ સંગઠનમાં વિવિધ જવાબદારીઓનું જે રીતે વહન કરી રહ્યો છે તે અંગે પ્રધાનમંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

નોટબંધી અંગે મહત્વની જાણકારી આપતા પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નોટબંધીના નિર્ણયના લીધે દેશના અર્થકારણમાં એક નવી ચેતનાનું સર્જન થશે. રિઝર્વ બેંકના એક સર્વેક્ષણ અનુસાર ૧૦૦૦ રૂની ચલણમાં  ફરતી ૨/૩ નોટસ તથા ૫૦૦ રૂ.ની ચલણમાં ફરતી ૧/૩ નોટસ કયારેય રિઝર્વ બેંકમાં પરત ફરતી નથી અને આ નોટસ કાળાનાણા રૂપે દેશમાં કયાંકને કયાંક જમા થતી રહે છે. રૂપિયાનું મૂલ્ય આ કાળાનાણાના ફેલાવાના લીધે સતત ઘટતુ જતુ હતું. આવા સંજોગોમાં દેશહિતને માટે તથા દેશના સામાન્ય નાગરિકના ઉજવળ ભવિષ્ય માટે નોટબંધીનો નિર્ણય લેવાયેલો છે. કેશલેસ કરન્સીની સરળતા તથા ડીજીટલ ટ્રાન્ઝેકશન અંગે ધ્યાન દોરીને તેને સામાન્ય વહીવટમાં સમાજમાં પ્રચલિત કરવા માટે સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા સંગઠનમાંસૌએ સામુહિક પ્રયત્ન કરવા ઉપર પ્રધાનમંત્રીશ્રીએ વિશેષ ભાર મુક્યો હતો.

પોતાના પ્રવચનની શરૂઆતમાં પ્રધાનમંત્રીશ્રીએ જીલ્લાવાર સંગઠનના સૌ પ્રતિનિધિઓ સાથે પરિચય કેળવ્યો હતો. દિલ્હી ખાતે જયારે પણ મળવા આવો ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને નહીં પરંતુ આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવા જઇ રહ્યા છીએ તેવા ભાવ સાથે આવજો, તેમ પ્રધાનમંત્રીશ્રીએ સૌને આત્મીય ભાવથી જણાવ્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,આપણા નરેન્દ્રભાઈ જયારે ગુજરાતમાં આપણે ઘેર પધાર્યા છે ત્યારે સંગઠનના ૧ કરોડ કાર્યકર્તાઓના પ્રતિનિધિ તરીકે પ્રધાનમંત્રીશ્રીને સ્વગૃહે આવકારતા આપણને સૌને આનંદનની અનુભૂતિ થાય તે સ્વભાવિક છે. આ એ જ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ છે કે જયાંથી ઇ.સ. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશમાં થ્રીડી સભાઓ દ્વારા માય આઇડીયા ઓફ ઇન્ડીયાના મંત્રને ઘેર ઘેર ગુંજતો કર્યો હતો. સર્જીકલ સ્ટ્રાઈક, નોટબંધી જેવા દેશહિતના નિર્ણયો દ્વારા પ્રધાનમંત્રીશ્રી ૧૨૫ કરોડ દેશવાસીઓના સાચા અર્થમાં લોકહ્દય સમ્રાટ બની ચૂકયા છે. મેરા દેશ બદલ રહા હૈઆગે બઢ રહા હૈ સૂત્રને  સાર્થક કરવાનું શ્રેય લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને જાય છે. વિપક્ષો પ્રધાનમંત્રીશ્રીના દેશહિતના આ સેવા યજ્ઞમાં હવનમાં હાડકા નાખવાના અનેક પ્રયત્નો અત્યાર સુધી કરી ચૂકયા છે. સંગઠનના સૌ કાર્યકર્તાઓ આ વિરોધી શક્તિઓને પરાસ્ત કરવા માટે પ્રતિબદ્ધ બને તેવુ પ્રદેશ પ્રમુખશ્રીએ આહવાન કર્યું હતું. જેમના નેતૃત્વમાં ૨૮૨ બેઠકો પર વિજય પ્રાપ્ત કરીને પૂર્ણ બહુમતી મેળવી હતી તેવા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીને સાંભળવા માટે ડીસા ખાતે પાંચ લાખથી વધુની જનમેદની ઉમટી પડી હતી તેમ આ પ્રસંગે પ્રદેશ પ્રમુખશ્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીએ સંગઠન વતી મંચ ઉપર પ્રધાનમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ આપીને તથા ખેસ પહેરાવીને ભાવભીનુ સ્વાગત કર્યું હતું. ઇ.સ. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યા બાદ શ્રી કમલમ્ ની મુલાકાતે પધારેલા પ્રધાનમંત્રીશ્રીની તે સમયની યાદગાર ક્ષણોને સ્મૃતિચિન્હરૂપે ફોટોની સમગ્ર સંગઠન તરફથી પ્રતિકૃતિ અપાઈ હતી. પ્રધાનમંત્રીશ્રીના નોટબંધી બાદ કેશલેસ નાણાકીય વ્યવહારની પહેલ અંગેની એક પ્રતિકૃતિ પણ મુખ્યમંત્રીશ્રી તથા પ્રદેશ પ્રમુખ સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પ્રધાનમંત્રીશ્રીને અર્પણ કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં દીપપ્રાગટ્ય તથા વંદે માતરમના ગાન બાદ મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવોએ મોટા પુષ્પહારથી સંયુક્ત રૂપે પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.

Share:

Leave a reply